By Aneri Desai
પહેલાં હતું, ખાલી મારું જ માટલું,
કૂવે જતી, હસતી, રડતી, ગાતી,
નાચતી, ભરવા આ મારું માટલું,
રોજ થોડું ખાલી થતું અને રોજ
થોડું ભરાતું, આ મારું માટલું,
એટલી હતી મગ્ન મારા જ
માટલામાં કે, ધ્યાન ના ગયું એ
ગરબા રમતી બેનોમાં,
પાસે જ રમતાં, એકબીજાના
હાથમાં પસાર કરતાં એ માટલા,
પહોંચી ગઇ હું પણ એમની આ
રમત રમવા,
હાથમાં આવ્યા બીજાના માટલા
જ્યારે,
ભાન થયું ત્યારે જ,
બધાના જ માટલા હતાં મારા
જેવા,
થોડા ખાલી અને થોડા ભરેલા,
રોયા અમે પોતાના અને બીજાના
દુઃખમાં,
હસ્યા સુદ્ધાં પોતાના અને
બીજાના સુખમાં,
પોતાનું દુઃખ ના જણાવા દીધું
કોઇને,
કારણ માટલું ના હતું જુદું કોઇનું,
ઊભરો આવ્યો જ્યારે,
દુઃખ કીધું એનું એણે,
ખભા પર હાથ મૂકી ના કીધું શું
કરવું, શું ના કરવું,
બસ મૌન રહી વળગ્યા એને,
કેમકે મારા માટલામાં પણ હતું
એવું જ દુઃખ થોડું.
પોતાનું સુખ પણ જણાવા ના દીધું કોઇને, કારણ માટલું હતું ના જુદું કોઇનું,
સુખ અભિવ્યક્ત કર્યું જેણે,
ગરબે એના ઘૂમવાનો સંકોચ ના
કર્યો કદી,
તો જણાવવાનું શું બધાને?
એ જ એવી રમૂજી વાતો, જે
હાસ્ય લાવે કોઇના ચહેરા પર,
ના લેવડ-દેવડ,
ના લે-વેચ,
બસ, સરળ વાતો,
એટલે જ કદાચ ભરેલું માટલું
હલકું અને ખાલી માટલું પણ
ભારી લાગતું હતું મને.
ગરબે તો ઘૂમતાં જ હતાં,
આ જીવનનો ગરબો તો ગાતા જ
હતાં,
પણ, ગરબે ઘૂમવાની મઝા તો
ત્યારે આવી,
જ્યારે તારા અને મારા માટલાની
ચિંતા છોડી,
સમજણ પડી કે, મારું આ મનનું
માટલું ખાલી પણ રહેશે અને
ભરેલું પણ,
બધાની જેમજ,
કેટલું સહેલું છે આવો ગરબો
રમવાનું?
કોઈ મને કહેશે, કેવી રીતે રમવું
આ ગરબો?
By Aneri Desai
Commentaires